જિસસ : પ્રેમ મૂર્તિ

શ્રી શ્રી રવિશંકર

પ્રેમ જીવનનું એક એવું ગૂઢ રહસ્ય છે કે જેની સહુને તીવ્ર ઝંખના હોવા છતાં તે ભાગ્યે જ વ્યકત થતો જોવા મળે  છે. હા, આપણે પ્રેમને વિવિધ રીતે વ્યકત કરવાનો પ્રયાસ જરુર કરીએ છીએ. છતાં તે એક રહસ્ય જ રહે છે. વળી પ્રેમ સંપૂર્ણપણે, પૂર્ણ સ્વરુપમાં વ્યકત થતો હોય એવું તો જવલ્લે જ  બને છે.


જિસસ અને પ્રેમ એક્બીજાના પર્યાય છે. જો તમે પ્રેમ કહો છો,તો પછી જિસસ કહેવાની જરુર નથી.અને જો તમે જિસસ કહો તો એ નો અર્થ જ છે પ્રેમ. એક વખત જિસસે કહ્યું હતું, જો તમે ભગવાનને મારા નામથી બોલાવશો તો તમે જે માંગશો તે મળી જશે. કારણ કે ઇશ્વર પ્રેમ છે. આપણે અહીં જે કંઇ ઝાંખી કે દર્શન જોઇએ કે અનુભવીએ છીએ તે પૂર્ણતાનું જ દર્શન  છે, આ પરમ સત્ય કે જે અવ્યક્ત છે તેને વ્યકત સ્વરુપ આપવાની મથામણ જીવનપર્યંત ચાલ્યા જ કરે છે.


પ્રેમ તમને નબળા બનાવે છે, પરંતુ સ્વર્ગના સામ્રાજયમાં લઇ આવે છે. તમે ગમે તેટલા શકિતવાળી હો, પરંતુ જો તમે પ્રેમમાં છો તો સૈાથી નબળા છો. તેમ છતાં પ્રેમ વિશ્વનું સૌથી શકિતશાળી પરિબળ છે. ભલે પ્રેમ તમને નબળા બનાવે છતાં એ ડરામણો છે. હજારોમાંથી માંડ થોડાક જ લોકો જિસસને અનુસર્યા હતા. ઘણા લોકોએ તેમને સાંભળ્યા હતા. પરંતુ એમાંથી સાવ થોડાક જ લોકો એમની સાથે આવ્યાં. ઘણા બધા ચમત્કારો કર્યા પછી પણ માંડ મુઠ્ઠીભર લોકો જ તેમને ઓળખી શકયાં.


જિસસે કહ્યું કે હું માણસની સામે માણસ,પિતાની સામે પુત્ર અને પુત્રીની સામે માતાને મુકવા માટે આવ્યો છું. ખુબ ઓછા લોકો તેના માર્મિક અર્થને સમજી શકયા.તમે જેમને તમારા મિત્ર માનો છો તે હકીકતમાં તમારા મિત્ર નથી. કારણકે તે મિત્ર જણાતી વ્યક્તિ તમારી શ્રધ્ધાને ભૌતિકતા પ્રત્યે આસક્ત બનાવે છે અને અધ્યાત્મ પ્રત્યે અનાસ્તક.. “હું એકને દરેકની સામે મુકવા આવ્યો છું. હું આગ લગાડવા આવ્યો છું. શાંતિ સ્થાપવા નહીં  જિસસે આમ કહ્યું  કારણ તેઓ ગાઢ ઊંઘનું રહસ્ય જાણતા હતા. જ્યારે તમે કોઇ સુંદર,શાંતિપ્રિય વાત કરો છો ત્યારે દરેક વ્યકિતને ઊંઘ આવવા માંડશે. પરંતુ જ્યાં તમે કોઇ  સંવેદનશીલ ને ઉત્તેજનાત્મક વાત કરશો કે તરત લોકો જાગી જશે અને સરખી રીતે સાંભળશે. માનવીનું મન આ જ રીત મુજબ કામ કરે છે. અને જિસસે દરેકને માટે એવાં બધાંજ પ્રયત્નો કર્યા કે જેનાથી દરેક પોતાના મન અને ચિત્તની વૃતિઓ પાર કરીને આત્મા, અધ્યાત્મ, સ્વ—જીવનના મૂળને સમજીને તેને પામે. તમે મર્યાદિત ઓળખને ઓળંગીને, પાર કરીને તમારી અંદરની દિવ્યતાને જાણો. તમે માત્ર માનવી નહિ પણ તેનાથી વિશેષ ઘણું બધું છો. તમે પરમાત્માના અંશ છો.તમને સામ્રાજ્ય મળ્યું છે. અને તે સામ્રાજ્ય અહીં જ છે. બરાબર તમારી અંદર.


પ્રેમને કોઇ નામ નથી, કે નથી કોઇ સ્વરુપ. પ્રેમ અમૂર્ત છે, અને છતાં મૂર્ત છે. પ્રત્યક્ષ છે.તેને કોઇ નામ કે  રુપ નથી તેમ છતાં બધા નામ અને બધા રુપમાં તે વ્યકત થાય છે. આ પ્રકૃતિનું રહસ્ય છે. જો તમારી પાસે દષ્ટિ હોય તો તમે આ પ્રકૃતિમાં દરેક સ્થળે પ્રેમને જોઇ શકશો. ઝાડ પરના માળામાં પંખી અને તેમના બચ્ચાંને જુઓ. પક્ષી કેવું આવીને તેના બાળકોને દાણા ખવડાવે છે .આ પ્રેમ છે. માછલીઓ વચ્ચે પણ પ્રેમ  છે. આકાશમાં પણ પ્રેમ છે. પાણીની વચ્ચે પણ પ્રેમ છે. જમીન પર પણ પ્રેમ છે.અને અનંત અવકાશની પેલે પાર પણ પ્રેમ છે.


દરેક રુપ પ્રેમથી ભરપુર છે.અને દરેક નામ પ્રેમને અભિવ્યકત કરે છે. અને આ જ રીતે  જિસસ પિતાની સાથે ઐકય સાધી શકયાં. જગત પિતા જીસસના સર્જનમાં તદ્રુપ થયાં. ભારતમાં સૃષ્ટિના સર્જન અને તેના સર્જકને નૃત્ય અને નૃત્યકાર સાથે સરખાવાયા છે. તમે નૃત્યકાર વિના નૃત્ય ન કરી શકો. નૃત્યના દરેક વળાંકમાં નૃત્યકાર હોય જ છે.


પ્રકૃતિના દરેક પ્રયોગમાં સર્જક છે.  આમ એ સર્વવ્યાપી છે. સર્વશકિતમાન છે. જો ઇશ્વર સર્વવ્યાપી હોય તો તે અત્ર તત્ર સર્વત્ર હોય જ, બરાબરને ? જો સર્જક, સૃષ્ટિથી- સર્જનથી અલગ હોય તો તે તેના સર્જનમાં ન હોય...  અને તો તે ર્સ્વવ્યાપી ન ગણાય. તો તો  ઇશ્વરની બધી જ વ્યાખ્યા ખોટી પડે..પ્રેમ અત્ર તત્ર સર્વત્ર છે. પરંતુ કયાંક તે પૂર્ણ સ્વરુપમાં દેખાય છે. અને સ્વ પ્રત્યેનું જ્ઞાન તમને

પ્રેમની પૂર્ણ અભિવ્યકિત તરફ દોરી જાય છે. તે તમારી દષ્ટિને નાની નાની બાબતો કે વસ્તુઓથી ઉપર ઉઠાવીને પ્રેમને પુર્ણ સ્વરુપે ખીલવવા તરફ તમને દોરી જાય છે. એક દૈવી તત્વ દરેકને એની જરુરિયાતો પુરી પાડે છે. અજગર કશે કામ કરવા જતો નથી... કે પક્ષીઓ મજુરી  કરવા જતાં નથી. દરેકેદરેક જીવની કાળજી લેવાય છે. એકે એક વસ્તુની કાળજી લેવાય છે.


જિસસે કહ્યું, “ તમે પરસ્પર એકબીજાને એટલો પ્રેમ કરો, જેટલો પ્રેમ હું તમને કરું છું” પ્રેમના મૂર્ત સ્વરુપને જાણવા માટે આથી વધારે શું જોઇએ ?